તમારું જીવન મુખ્યત્વે તમારા અવચેતન મનથી નિયંત્રિત થાય છે.અને ટેવો એ છે જે તમારા અવચેતન મનમાં કોતરાઈ ગયેલી હોય છે.બધી ટેવો ખરાબ નથી હોતી.દા.ત.,તમે રોજ દાંત સાફ કરો છો તે ટેવ છે. અને જો તમે દાંત સાફ નથી કરતા તો તમને ગમતું નથી.અને તે એ જ પ્રમાણે હોવું જોઈએ!સ્નાન કરવું એ ટેવ છે.તમે રોજ સ્નાન કરો છો.અને જો તમે સ્નાન નથી કરતા તો તમને સારું નથી લાગતું.એ જ રીતે, જે લોકોને કોફી પીવાની ટેવ હોય છે તેમને જો કોફી ના મળે તો તેમનું માથું દુખે છે!કોફી પીવી એ સારું છે કે નહીં તે વ્યક્તિએ પોતે નક્કી કરવાનું છે.અને તેમના ડોકટરોએ.કેટલીક ટેવો તમને તકલીફ આપે છે, તે તમારા માટે,તમારા શરીર માટે,મન માટે કે ચેતના માટે સારી નથી હોતી.
કોઈ ટેવ છોડી શકવાની તમારી અસમર્થતા તમને ડંખે છે અને જયારે તમને કોઈ બાબતથી ખૂબ તકલીફ થાય છે ત્યારે તે તકલીફ તમારી તે ટેવ છોડાવી દેશે.
– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
જેમ કે,કેટલાક લોકોને મદ્યપાનની કે ધૂમ્રપાનની લત લાગેલી હોય છે .ધુમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણવા છતાં તેઓ ધુમ્રપાન કરે છે.શા માટે? કોઈ પણ ટેવ આનંદ આપવાનો વાયદો કરે છે,પણ તે ખરેખર આપતી નથી.તો ટેવોને કેવી રીતે છોડવી?તેના ત્રણ ઉપાયો છે:
પ્રેમ
તમે જેને ખૂબ પ્રેમ કરો છો તેને,દા.ત.,તમારી દીકરી,પત્ની કે માને,જે તમને ખૂબ વ્હાલા છે તેમને, ધારો કે કોઈ વચન આપો છો તો પ્રેમને લીધે તે વચન પાળો છો.સૌથી પહેલા તો તમને દુખી કરે છે તે ટેવ તમે છોડી શકતા નથી અને ઉપરથી વચન ના પાળી શકો તો તમારા દુઃખમાં વધારો થાય છે.જો કોઈ ટેવ તમારામાં ઊંડી વણાઈ ગઈ હોય,તમને એમ લાગતું હોય કે તમે તેને નહીં છોડી શકો તો હું તમને કહું છું કે તમે તે ટેવ છોડી દેવાની ટૂંકા સમય માટે પ્રતિજ્ઞા લો,જેમ કે ૧૦ દિવસ કે ૧ મહિના માટે.એવું તમારા માટે સરળ રહેશે,એક એક ડગલું ભરતાં તમે સફળ નીવડશો.
ડર
બીજો ઉપાય છે ડર.જયારે તમારા ડોક્ટર કહેશે કે હવે એક જ પેગ કે સિગરેટ પીશો તો તમારું યકૃત ક્યારેય સાજુ નહીં થાય અને તમારા ફેફસા કાર્યરત નહીં રહે તો તમે એક પણ સિગરેટને નહીં અડો. એટલે ડરને લીધે તમે તે ટેવમાંથી બહાર આવી જશો.
લોભ
ત્રીજું છે લોભ.જો કોઈ તમને એમ કહે કે જો તમે એક મહિનો સિગરેટ નહીં પીઓ તો તમને ૧૦ લાખ ડોલર આપશે.તો તમે કહેશો,‘શા માટે એક મહિનો,હું ૩૫ દિવસ સુધી ધુમ્રપાન નહીં કરું.ગણતરીમાં કચાશ ના રહી જાય તેની ખાતરી કરવા ૫ વધારાના દિવસો.’લોભ તમને નહીં ગમતી ટેવોથી બચાવી શકે છે.આમ, તમારો લોભ,તમારો પૈસા મેળવવા માટેનો લોભ,ટેવ કરતાં કોઈ મોટી વસ્તુ તમને ટેવ છોડવામાં મદદ કરશે.આમ ત્રણ બાબતો છે,ડર,પ્રેમ અને લોભ.પોતાની જાતને એવું વચન ના આપશો કે હું હંમેશ માટે છોડી દઈશ.
ડર અને પ્રેમ પસંદ કરવા ઉત્તમ છે.અંતે તમને પોતાને ખ્યાલ આવશે,’અરે! આ દર્દનાક છે.આ ટેવ ચાલુ રાખીને હું તો દુખ ખરીદી રહ્યો છું,’આમ,એક દીવસ જયારે તમને ખ્યાલ આવશે ત્યારે તમે તે ટેવ છોડી દેશો.
આચરણ.કોઈ બાબત આચરણ ત્યારે બને છે જયારે વચ્ચે કોઈ સમયગાળો પાડ્યા વગર તે સતત,સન્માનથી,દરરોજ તેને સંનિષ્ઠતાથી થોડા સમય સુધી કર્યા કરવામાં આવે છે.ત્યારે જ તે સજડ રીતે સ્થાપિત થાય છે.
– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
સારી ટેવ કેવી રીતે પાડવી?
સારી ટેવ પાડવા માટે શિસ્ત મુખ્ય રીતે જરૂરી છે.અને એ જ ત્રણ લાગણીઓ સારી ટેવ પાડવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય.
- પ્રેમ: જયારે તમે કોઈ બાબતને પ્રેમ કરો છો તો તેને અનુસરશો,તે કરશો.જો તમને યોગ કરવાનું ગમે છે તો તમે તે કરો છો.જો તમને ‘વેઇટ લીફટીંગ’ ગમે છે તો તમે તે કરશો. જો તમે કરાટેને પ્રેમ કરો છો તો કોઈ વ્યક્તિ તમને કોઈ પણ રીતે તે કરતા રોકી નહીં શકે, તમારે તે કરવું જ હશે.જો તમને સંગીત પસંદ છે તો તમે બેસીને તેનો અભ્યાસ કરશો. આમ,પ્રેમ/પસંદગીને લીધે ટેવ પડે છે.
- લોભ: જો કોઈ તમને એમ કહે કે જો તમે આવતા ૪૦ દિવસ સુધી સૂર્ય નમસ્કાર કરશો તો તમને ૧૦ લાખ ડોલર મળશે.તો તમે ૪૦ જ દિવસ સુધી નહીં પણ સલામતી રાખવા ૪૫ દિવસ સુધી કરશો!બે દિવસ પહેલા અને બે દિવસ પછી,જેથી ભૂલથી પણ ઓછી ગણતરી ના થાય.લોભ તમને શિસ્ત આચરતા કરી દે છે.
- ડર: જો કોઈ તમને કહે કે જો તમે યોગ નહીં કરો તો આવતા મહીને કે તેની આસપાસ આટઆટલી સમસ્યાઓ થઇ શકે છે.તો તમે ડરી જશો.તમે કહેશો,અરે મારે આ સમસ્યાઓ નથી જોઈતી,મને યોગ કરવા દો.
ઉપસંહાર
તમારું જીવન મુખ્યત્વે તમારા અવચેતન મનથી નિયંત્રિત થાય છે.અને ટેવો તમારા અવચેતન મનમાં કોતરાઈ ગયેલી હોય છે.ખરાબ ટેવો છોડવા અને સારી ટેવો પાડવા લાગણીઓને યોગ્ય રીતે વાળવી જરૂરી છે.અંગત પરિવારનો પ્રેમ ખરાબ ટેવોને દૂર કરવામાં મદદ કરી શકે છે;કોઈ ગમતી પ્રવૃત્તિ કરવી એ સારી ટેવ પાડી શકે છે.કોઈ લાભ મેળવવાનો લોભ નુકસાનકારક ટેવો છોડવા અને સારી અપનાવવા પ્રેરિત કરી શકે છે.રોગ થવાનો ભય ખરાબ ટેવો ત્યજવા અને સારી ટેવો પાડવામાં મદદ કરી શકે છે.ડર એ સૌથી ખરાબ પ્રેરકબળ છે;લોભ પણ કંઈ સારો નથી.પરંતુ પ્રેમ એ ખરાબ ટેવો ત્યજવા અને સારી કેળવવા સૌથી શ્રેષ્ઠ માર્ગ છે.
આર્ટ ઓફ લિવિંગનો હેપ્પીનેસ પ્રોગ્રામ કરવા અમારી સાથે જોડાવ અને તમારા અવચેતન મનની શક્તિને કેવી રીતે અનાવૃત્ત કરવી તે શીખો!આજે નામ નોધાવો.





